પોરબંદરનાં દરિયામાં ફસાઈ ટગ બોટ, ૭ ખલાસીઓનો હેલિકોપ્ટર વડે બચાવ

વેરાવળથી સિક્કા જતું ટગનાં એન્જિનમાં ખામી સર્જાતા ફયૂઅલ લાઈન ફાટી

દરિયામાં ભારે કરંટ હોવાથી મદદ માટે અન્ય ટગ પણ જઈ ન શકતા રાતભર ખલાસીઓનાં જીવ તાળવે ચોંટયા

પોરબંદર નજીકના દરિયામાંથી પસાર થતી એક ટગ બોટનું એન્જીન બંધ પડતા ખલાસીઓ ફસાઈ ગયા હતા. જેને કોસ્ટગાર્ડની શીપ ઉપરાંત બે હેલીકોપ્ટરની મદદથી સાત ખલાસીઓને બચાવી લેવાયા છે. આખી રાત્રી આ ઓપરેશન ચાલ્યું હતું.

બનાવની વિગત એવી છે કે, એમ.ટી. જલારક નામનું ટગ વેરાવળથી સિક્કા જઈ રહ્યું હતું ત્યારે એન્જીન પાવરમાં ખામી સર્જાતા અને ટગમાં ફયુલ પસાર થતી હોય તે લાઈન પણ ફાટી જતાં સમગ્ર ફયુલ ખાલી થઈ ગયું હતું અને તેથી કોસ્ટગાર્ડ જીલ્લા હેડકવાર્ટર પોરબંદર ખાતે રાત્રીનાં ૧ વાગ્યે મદદ આપવાનો સંકેત આપ્યો હતો અને હાલમાં વરસાદી વાતાવરણ વચ્ચે આ ટગ પોરબંદરના દરિયા તરફ ખેંચાઈ આવી હતી અને આખી રાત ટગમાં રહેલા ખલાસીઓનો જીવ અધ્ધર થઈ ગયો હતો અને પ્રાતમિક તબક્કે આ ટગને મદદરૃપ થવા માટે પોરબંદરના પોર્ટમાંથી અન્ય ટગને મોકલવાની રજુઆત કરવામાં આવી હતી.
પરંતુ રફ દરિયો હોવાથી પોરબંદરથી મદદ માટે અન્ય ટગ જઈ શકે તેવી પરિસ્થિતિ નહીં હોવાથી અને ફસાયેલી જલારક ટગને તાત્કાલીક મદદમાં આવવા માટે ભારતીય કોસ્ટગાર્ડની  શીપને મોકલવામાં આવી હતી. અને પોરબંદરના કોસ્ટગાર્ડ મથકથી જલારક ટગને વાયરલેસ મેસેજ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, તેઓ જે સ્થળે દરિયામાં છે ત્યાં એન્કર પાણીમાં નાખવા માટે સુચનો કોસ્ટગાર્ડના અધિકારીઓએ પણ કર્યા હતા, જેથી અન્ય સ્થળ તરફ આ ટગ ખેંચાઈ જાય નહીં.

ત્યારબાદ દરિયામાં ખુબ વધુ કરંટ હોવાથી પરિસ્થિતિ વધુ બેકાબુ બની હતી અને ટગના કોમ્યુનીકેશન સીસ્ટમમાં પણ સ્પષ્ટપણે સંદેશા નહીં જતા હોવાથી અંતે કોસ્ટગાર્ડે તેમાં રહેલા ખલાસીઓને હેલીકોપ્ટર દ્વારા વહેલી સવારના સમયે ઉપાડવાની કામગીરી હાથ ધરી હતી.આ ટગ કિનારા તરફ ઓછા પાણીમાં મોજાથી ધકેલાઈ ગઈ હતી અને પોરબંદરથી ઉપડેલ કોસ્ટગાર્ડના  હેલીકોપ્ટરે આ ટગમાં રહેલા સાત ક્રુને દોરડા વડે હેલીકોપ્ટર સાથે બાંધીને ઉગારી લીધા હતા અને ઓડદર પાસે તેમને ઉતારવામાં આવ્યા હતાં.
આ ટગમાંથી ઓઈલ પ્રદુષણ ફેલાતુ હોવાની પણ ચકાસણી કરવામાં આવી હતી અને એવો કોઈ બનાવ નહીં બન્યો હોવાથી અધિકારીઓને પણ રાહત થઈ હતી. આમ ભારતીય કોસ્ટગાર્ડની ટીમે ટગમાં ફસાયેલા ખલાસીઓને બચાવીને નવ જીવન આપ્યું હતું. સાત જેટલા ખલાસીઓએ કોસ્ટગાર્ડની કામગીરીને બિરદાવી હતી.

Comments

Popular posts from this blog